જામનગર શહેરમાં એકડેએક બાપુની દરગાહ નજીક રહેતાં મહિલાના પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધોને કારણે પતિ તથા મહિલા બંને દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં એકડેએક બાપુની દરગાહ નજીક મહેબુબશા ચોકમાં રહેતાં નશીમબેન આબીદ સોઢા (ઉ.વ.32) નામની મહિલાના પતિ આબીદ ઈકબાલ સોઢાને મુમતાઝબેન નામની અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે નશીમબેનને તેણીના પતિ આબીદ સોઢા અને મુમતાઝબેન દ્વારા અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારકૂટ કરી ગાળો બોલતા હતા. પતિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને મહિલા નશીમબેને બુધવારે તેણીના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નશીમબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એન.એમ. ઝાલા તથા સ્ટાફે નશીમબેનના નિવેદનના આધારે તેણીના પતિ અને મુમતાઝબેન નામની મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.