જામનગર તાલુકાના સચાણા ગામમાં બાળકો રમવાની બાબતે થયેલા મનદુ:ખનો ખાર રાખી બે પરિવારો વચ્ચે સામસામા હુમલા કર્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા ઝરીનાબેન આવેશભાઈ કકલ નામના મહિલાએ સોમવારે સાંજના સમયે તેના ઘરે પાસે હતાં તે દરમિયાન ઈશા જુસબ કકલ, મુસ્તાક જુસબ કકલ, જુસબ અબ્બાસ કકલ, સબીના જુસબ કકલ અને ફિરોઝ રજાક ગજીયા સહિતના પાંચ શખ્સોએ એકસંપ કરી મહિલાના ઘરે આવી લાતો મારી હતી તેમજ મહિલાના પતિ ઉપર ડીશમીશ જેવા હથિયાર વડે ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી તેમજ એમણાબેન નામના મહિલા ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
તેમજ સામાપક્ષે સબીના જુસબ કકલ નામની મહિલાનો ભત્રીજો નવાઝ અને દિયર આવેશભાઈનો પુત્ર નવાઝ માનસિક બીમાર હોય જેથી સબીનાબેનના ભત્રીજાએ આવેશભાઈના પુત્રની મશકરી કરી હતી. જે બાબતો ખાર રાખી રમઝાન આવેશ કકલ, રસિદા જુનસ ભોકલ, સુગરાબેન જુનસ ભોકલ, નાઝમીન અવેશ કકલ સહિતના ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી હાથમાં તથા ગળાના ભાગે તેમજ પગમાં બટકા ભરી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. એક જ પરિવારના બે જુથ વચ્ચે બાળકોની બાબતમાં થયેલા સામાસામા હુમલામાં બે મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.