કલ્યાણપુર તાલુકાના લાંબા બાયપાસ નજીક આજે ચઢતા પહોરે સર્જાયેલા એક અકસ્માતમાં એક શાળાના આચાર્ય તેમજ શિક્ષકના કરૂણ મોત નીપજ્યા હતા.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા લાંબા ગામની દાનેવ શાળાના ગણિત વિષયના શિક્ષક એવા મૂળ ભાવનગરના રહીશ ભરતભાઈ બંધીયા (ઉ.વ. 32) તેમજ તેમની પાછળ બેઠેલા ખંભાળિયામાં હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ આરંભડીયા નામના 48 વર્ષના શિક્ષકના મોટરસાયકલને એક મોટરકારના ચાલકે ઠોકર મારતા બંને યુવાનો મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા અને તેઓને ગંભીર ઈજાઓ થતા ભરતભાઈ બંધીયાનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા રાજેશભાઈ આરંભડીયાને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ અંગે શૈક્ષણિક વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ લાંબા ગામની દાનેવ શાળામાં ગઈકાલે મંગળવારે રાત્રે વિસાવાડા ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આજરોજ રામનવમીની રજા હોવાથી મોડે સુધી આ કાર્યક્રમને માણવા માટે આઠ શિક્ષકો ગયા હતા. દાનેવ શાળામાં વિસાવાડા ગામના છાત્રો અભ્યાસ કરતા હોય, તેમના તથા તેમના વાલીઓના આમંત્રણને માન આપીને ગતરાત્રે કાર્યક્રમ જોવા ગયેલા ઉપરોક્ત બંને આચાર્ય-શિક્ષક પરત ફરતા રાત્રિના આશરે સાડા ત્રણેક વાગ્યે એક મોટરકાર સાથે અકસ્માત સર્જાતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા.
મૃતક રાજુભાઈ આરંભડીયા ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા હતા અને માધ્યમિક વિભાગના આચાર્ય તરીકે આશરે 20 વર્ષથી ફરજ બજાવી, તેઓ દાનેવ શાળાના છાત્રાલયમાં જ રહેતા હતા. તેમનો પુત્ર બારમા ધોરણમાં તથા નાની પુત્રી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. આ અકસ્માતથી આ વિપ્ર પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. 32 વર્ષના આહીર યુવાન ભરતભાઈ બંધીયા આશરે વીસેક દિવસ પૂર્વે જ એક પુત્રના પિતા બન્યા હતા. પરંતુ આ અકસ્માતમાં તેઓ કાળનો કોળિયો બની ગયા હતા.
આ ઘટનાની જાણ થતા દાનેવ શાળાના ટ્રસ્ટી તેમજ આગેવાનો પોરબંદર ની હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મૃતકની અંતિમ વિધિ માટે મૃતદેહોને ખંભાળિયા અને ભાવનગર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
આજે ચઢતા પહોરે વિસાવાડાથી લાંબા જવા માટે નીકળેલા શિક્ષકો દાનેવ શાળામાં કે જ્યાં તેમનો મુકામ હતો ત્યાં પહોંચવાને માત્ર દોઢેક કિલોમીટર જેટલું અંતર જ બાકી હતું ત્યાં આ મોટરકાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બંનેના કરુણ મૃત્યુ નિપજયાના આ બનાવે શિક્ષણ જગત સાથે મૃતકના પરિવારજનોમાં પણ ભારે અરેરાટી પ્રસરાવી છે.