તાજેતરમાં ચેટીચાંદની જાહેર રજા હોવા છતાં જામનગર શહેરમાં ક્રિષ્ના સ્કૂલ ચાલુ રહેવા અંગે એનએસયુઆઇ જામનગર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી શાળા વિરુધ્ધ કાર્યવાહી કરવા માગણી કરાઇ છે.
જિલ્લા શિક્ષણ અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગત તા. 10-4-2024ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ચેટીચાંદની જાહેર રજા જાહેર કરાઇ હતી. તેમ છતાં જામનગરમાં ખોડિયાર કોલોનીમાં આવેલ ક્રિષ્ના સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું અને શિક્ષણ વિભાગના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇની ટીમને આ અંગે જાણ થતાં શાળાની મુલાકાત લેતાં શાળા ચાલુ હોવાની હકીકત સામે આવી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરતાં શાળા દ્વારા તેમને પણ શાળા બંધ હોવાની ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો. આથી એનએસયુઆઇ દ્વારા શાળા શરુ હોવાના ફોટા-વિડીયો મોકલવામાં આવ્યા બાદ શિક્ષણાધિકારીની ટીમ દ્વારા શાળાની મુલાકાત લઇ કાર્યવાહી કરાઇ હતી.
આથી આ શાળા ઉપર કાર્યવાહી કરીને દાખલો બેસાડવા આ આવેદનપત્ર દ્વારા માગણી કરાઇ છે. જેથી જામનગરની ઘણી શાળાઓ જાહેર રજામાં રવિવારે વેકેશનમાં સાંજે 6:30 વાગ્યા પછી શાળાઓ શરુ રખાતી હોય છે. તેવી શાળાઓ ઉપર પણ લગામ આવશે. એનએસયુઆઇ જામનગર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસ જામનગર પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, મંત્રી શક્તિસિંહ જેઠવા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.