રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 11.15 થી 11.30 ના લાભ ચોઘડિયામાં ફોર્મ ભર્યું છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા કેટલાય દિવસોથી પરશોત્તમ રૂપાલા ચર્ચાના કેન્દ્રમાં છે તેનું એક કારણ તેમણે ક્ષત્રિય અંગે કરેલી એક ટિપ્પણી છે જો કે રૂપાલાએ બે વખત માફી માગી હતી તેમ છતાં પણ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. આ દરમિયાન આજે રાજકોટમાં રૂપાલા ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પેહલા રૂપાલાએ સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે ’આજે જે ક્ષત્રિય આગેવાનો સમર્થન આપ્યો છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.’
ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે અને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે સોમવારે મોડી રાતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર સમાજની એક જ માગ છે. ક્ષત્રિય સમાજના આગેવાને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠક બાદ કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમે અમારી માગ પર અડગ છીએ અને રૂપાલાની ટિકિટ રદ થાય તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં.બીજી તરફ ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા મક્કમ છે. રાજપૂતોને મનાવવા ગુજરાત સરકારે મોડી રાતે બે વાગ્યા સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક કરી હતી. પરંતુ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું. અઢી કલાક સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી. પણ પરિણામ આવ્યુ ન્હોતું.
રાજપૂત સંકલન સમિતિના સભ્યોએ જણાવ્યુ કે, ‘અમારી કોર કમિટીની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ અને ગળહમંત્રી હર્ષ સંઘવી સાથે મિટીંગ કરવામાં આવી છે. તેમણે અમને કહ્યુ કે, રૂપાલાજીએ ત્રણવાર માફી માંગી છે. તમે અત્યાર સુધી ઘણો જ સંયમ રાખ્યો છે. તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમ છતાં તમારું આંદોલન સંયમિત રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યુ કે, સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. અમે સરકારના સહયોગ બદલ તેમનો આભાર પણ માન્યો છે. આ સામે અમે જણાવ્યુ હતુ કે, સંપૂર્ણ ક્ષત્રિય સમાજ અને તેની સાથે જોડાયેલા અન્ય સમાજની એક જ માંગણી છે કે, પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. જો અલ્ટિમેટમ સુધીમાં માગ પુરી નહીં થાય તો આંદોલન પાર્ટ 2 કરવામાં આવશે.’આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, ‘તો આ માંગણીના જવાબમાં ગુજરાત સરકારે જવાબ આપ્યો કે, તમે આ અંગે ફરીથી વિચારી લો. તમારી જે લાગણી છે તે અમે હાઇકમાન્ડ સુધી પહોંચાડીશું. આ સાથે જણાવ્યુ કે, એટલે હવે આ સરકારનો વિષય છે. પરશોત્તમ રૂપાલા મુદ્દે કોઇપણ સમાધાન કરવામાં આવ્યું નથી કે કરવામાં આવશે નહીં.’
પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજને મનાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ક્ષત્રિય સમાજ કહે તે પ્રમાણે માફી મંગાવવા પણ તૈયાર છે. ધર્મગુરૂ સમક્ષ માફી મંગાવવા સરકારે તૈયારી બતાવી છે. પરંતુ બીજી તરફ, ક્ષત્રિય સમાજે સરકાર સામે માંગણી કરી હતી કે, સરકાર સાથે કોઇ પણ દુશ્મની સાથે કે નથી પક્ષ સામે, અમારી માત્ર એક જ માગણી રૂપાલાને ટિકિટ નહિ. તેમના પરિવારને ટિકિટ આપશો તો પણ વાંધો નહિ. આમ, બેઠકમાં કોઈ સમાધાન ન આવતા બે દિવસમા પાછા બેઠક માટે મળવાની વાત બંને પક્ષ થઈ છે. જેમાં ગુજરાત સરકારે ક્ષત્રિય આગેવાનોને ભોજન સાથે બેઠકનું આમંત્રણ આપ્યું છે.