ખંભાળિયા – દ્વારકા હાઈ-વે માર્ગ નજીક આવેલી પાયલ હોટલ નજીકના રેલવે ફાટક પાસેથી એલ.સી.બી. પોલીસે ગતરાત્રિના આશરે 11 વાગ્યાના સમયે પસાર થઈ રહેલા જીજે-25- ઈ-5884 નંબરના એક બોલેરો પીકઅપ વાનને અટકાવી, ચેકિંગ કરતા આ વાહનમાં તાલપત્રી હેઠળ છુપાવીને લઈ જવાતા 500 લીટર દારૂના બાચકાઓ મળી આવ્યા હતા.
આથી પોલીસે રૂપિયા દસ હજારની કિંમતના દેશી દારૂ તેમજ રૂપિયા પાંચ લાખની કિંમતના બોલેરો વાહન અને મોબાઈલ, રોકડ સહિત કુલ રૂપિયા 5,16,200 ના મુદ્દામાલ સાથે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ડોલરગઢ ગામે રહેતા દેવા ઉર્ફે ભુરી જીવાભાઈ મોરી નામના 25 વર્ષના માલધારી રબારી યુવાનને ઝડપી દીધો હતો. આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામે રહેતા અનિરુદ્ધસિંહ કેસરીસિંહ જાડેજા, રાણપર ગામના કારા ઉર્ફે મેરુ કાના મોરી અને બાવરવાવ નેશ ખાતે રહેતા રાજુ કાનાભાઈ કટારા નામના ત્રણ શખ્સો પણ સંડોવાયેલા હોવાનું ખુલતા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આરોપી દેવા ઉર્ફે ભુરી રબારીની અટકાયત કરી, અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.