ખંભાળિયા તાલુકાના દાતા ગામમાં રહેતાં યુવાનના મોટાભાઈનું એક વર્ષ પૂર્વે પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યાની ઘટના બાદ મોટાભાઈના વિચારો આવતા વ્યથિત થયેલા નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કલ્યાણપુરના મેવાસા ગામમાં રહેતાં વૃધ્ધને પગે ઠેસ વાગતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા ભાવકરણભાઈ દુદાભાઈ ગુજરીયા નામના 30 વર્ષના યુવાને થોડા દિવસો પૂર્વે એક આસામીની વાડીએ ખળમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ભાવકરણભાઈના મોટાભાઈ જેશુરભાઈ આજથી આશરે એક વર્ષ પૂર્વે પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. તેમના મોટાભાઈ લાલાભાઈ થોડા વર્ષો પૂર્વે અકસ્માતમાં અવસાન પામ્યા હતા.
આ અંગેના વિચારો આવતા તેમણે વ્યથિત થઈને ઉપરોક્ત પગલું ભરી લીધું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ મેકરણભાઈ દુદાભાઈ ગુજરીયાએ ખંભાળિયા પોલીસને કરી છે જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ગોવિંદભાઈ અરજણભાઈ ચાવડા નામના 75 વર્ષના વૃદ્ધ તા. 12 ના રોજ દાત્રાણા ગામના બેઠા પુલ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પગે ઠેસ લાગતા તેઓ પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે મૃતકના પુત્ર કેશુભાઈ ગોવિંદભાઈ ચાવડાએ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.