હાલમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. ત્યારે છેલ્લાં ઘણાં વર્ષોથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન જામનગર થી પદયાત્રીઓનો સંઘ માટેલ જવા રવાના થાય છે. જામનગર શહેરના પંચેશ્ર્વરટાવર નજીક આઈશ્રી ભેળિયાવાળી ખોડિયાર મિત્ર મંડળ સંચાલિત પદયાત્રા સંઘ પણ જામનગરથી માટેલધામ જવા રવાના થયો હતો. આ પદયાત્રીઓ માટેલ સુધી પદયાત્રા કરીને પહોંચ્યા બાદ માટેલધામ ખોડિયાર માતાજીના દર્શન કરશે. તેમજ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. શુક્રવારે બપોરના સમયે પંચેશ્ર્વરટાવર નજીકથી આ પદયાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું. આ તકે જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઈ બારડ, નોબત સાંધ્ય દૈનિકના ચેતનભાઈ માધવાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને પદયાત્રીઓના સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા સંઘમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતાં.