ભાણવડ તાલુકાના રૂપામોરા ગામમાં રહેતી તરૂણીને છેલ્લાં ચાર પાંચ મહિનાથી થઈ રહેલા માથાના દુ:ખાવાથી કંટાળીને ગઈકાલે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં રહેતી મહિલાએ અગમ્યકારણોસર તેણીના ઘરે ગળેટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ભાણવડ તાબેના રૂપામોરા ગામે રહેતા રાજાકભાઈ રાણાભાઈ કાંટેલીયાની 16 વર્ષની તરૂણ પુત્રી રિયાને છેલ્લા ચાર-પાંચ માસથી માથાનો દુ:ખાવો રહેતો હોય અને તેણીને તડકો લાગવાના કારણે તેમજ ઉંચા અવાજના કારણે માથામાં દુ:ખાવો થતો હોવાથી આ બાબતના લીધે કંટાળી જઈને તેણીએ ગઈકાલે ગુરુવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગેની જાણ રાજાકભાઈ રાણાભાઈ કાંટેલીયા દ્વારા કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા જાનાબેન ડાડુભાઈ છૂછર નામના 45 વર્ષના મહિલાએ ગઈકાલે ગુરુવારે સવારના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધો હતો. જે અંગેની જાણ મૃતકના પતિ ડાડુભાઈ દેવશીભાઈ છૂછર દ્વારા કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.