જામનગર શહેરમાં ગઇકાલે સાંજના સમયે પટેલ સમાજ નજીક આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જામનગર મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગમાં મકાનમાં ફસાયેલા વૃધ્ધાને સલામત બહાર ખસેડી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
જામનગરમાં પટેલ સમાજ પાસે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનાં બલોક નંબર બી ફલેટ નંબર 162માં રવિવારે મોડી સાંજે અકસ્માતે આગ લાગી હતી અને ગાદલનો ભાગ સળગવાથી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
આ બનાવ અંગે દર્શનભાઇ પાલાએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ શાખાના હાર્દિકસિંહ ભારત જેઠવા, અશ્ર્વિન રાઠોડ, સંજય દેથળિયા સહિતનો કાફલો દોડી ગયો હતો. અને ફલેટમાં રહેતા સાવિત્રીબેન પાલા નામના વૃધ્ધા કે જેઓ ગાદલા પર દિવા રાખીને પેટાવતા હતા અને આગ લાગવાથી ધુમડાના ગોટાની વચ્ચે ફસાયા હતા. જેથી ફાયર બ્રિગેડના સ્ટાફે તેમને સહી સલામતિ રીતે બહાર કાઢી લીધા હતા. જેથી તેઓનો બચાવ થયો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પહેલા આગમાં ઘરવખરીનો કેટલો માલ સામાન સળગી ગયો હતો.