કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતીને તેણીની માનસિક બીમાર મોટી બહેન સાથે અવાર-નવાર તોફાન અને કજીયો કંકાસ કરતી હોવાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉમ્બેર ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામની સીમમાં આવેલી અશોકભાઈની વાડીએ મજુરી કામ કરતી મમતાબેન ચનાભાઈ બારીયા (ઉ.વ.19) નામની યુવતીની મોટી બહેન માનસિક બીમાર હોય જેના કારણે ઘરમાં અવાર-નવાર તોફાન – કજીયો – કંકાસ કરતી હતી. દરમિયાન એક સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે નાની બહેન સાથે તોફાન કરી કજીયો કંકાસ કરતા નાની બહેન મમતાને મનમાં લાગી આવતા રવિવારે બપોરના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં મમતાબેનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા ચનાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વાય.પી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.