જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા યુવાનને ત્રણ શખ્સોએ જબરજસ્તીથી અપહરણ કરી સાપર લઇ જઈ લોખંડના પાઈપ વડે માર મારી ગોકુલનગરમાં ફેંકી દઇ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મયુરનગર શેરી નં.2 માં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતાં મહેશભાઈ કાનજીભાઈ સીતાપરા નામના યુવાનને ગત તા.18ના રોજ રાત્રિના સમયે જયપાલસિંહ ચુડાસમા, રવિરાજસિંહ, અને રવિરાજસિંહનો મિત્ર સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી ગોકુલનગર વિસ્તારમાંથી મહેશનું અર્ટીગા કારમાં જબરજસ્તીથી અપહરણ કરી લઇ ગયા હતાં અને સાપર ગામના પાટીયા નજીક મહેશ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી લોહી લુહાણ કરી મૂકયો હતો અને ત્યારબાદ ગાળો કાઢી માર માર્યો હતો. ત્યાંથી પરત અર્ટીગા કારમાંથી જ ગોકુલનગર વિસ્તારમાં લઇ આવી મહેશ સીતાપરાને ઈજાગ્રસ્ત હાલતમાં ફેંકી દઇ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ.વી. દવે તથા સ્ટાફે મહેશના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ અપહરણ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.