સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે. આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. 6 માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ઈઉંઈં ઉઢ ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ત્રણ દિવસની સુનાવણી બાદ 2 નવેમ્બર, 2023ના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
સુનાવણીમાં, કોર્ટે પક્ષકારોને મળેલા ફંડિંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણી પંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પંચને 30 સપ્ટેમ્બર સુધીમાં રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલી રકમ મળી છે તેની માહિતી વહેલી તકે આપવા જણાવ્યું હતું. CJI DY ચંદ્રચુડે સરકારને પૂછ્યું હતું કે ચૂંટણી બોન્ડની શું જરૂર છે. સરકારને તો ખબર જ છે કે તેમને કોણ દાન આપી રહ્યું છે. ઈલેક્ટોરલ બોન્ડ મળતાની સાથે જ પાર્ટીને ખબર પડે છે કે કોણે કેટલું દાન આપ્યું છે.
આ અંગે સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકાર એ જાણવા નથી માંગતી કે કોણે કેટલા રુપિયા દાનમાં આપ્યા. દાતા પોતે પોતાની ઓળખ છુપાવવા માંગે છે. તે ઈચ્છતા નથી કે અન્ય કોઈ પક્ષને તેની જાણ થાય. જો હું કોંગ્રેસને દાન આપી રહ્યો છું, તો હું ઈચ્છતો નથી કે ભાજપ તેની ખબર પડે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા ચૂંટણી બોન્ડની માન્યતાની સુનાવણી કરવામાં આવી રહી છે. આ અંગે ચાર પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સીપીએમનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા.
1 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ કેસની સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ચૂંટણી બોન્ડથી રાજકીય દાનમાં પારદર્શિતા આવી છે. અગાઉ દાન રોકડમાં આપવામાં આવતું હતું, પરંતુ હવે દાતાઓના હિતમાં દાનની ગુપ્તતા જાળવવામાં આવી છે. દાતાઓ ઇચ્છતા નથી કે અન્ય પક્ષને તેમના દાન વિશે ખબર પડે. આનાથી તેમના પ્રત્યે અન્ય પક્ષની નારાજગી વધશે નહીં. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો આવું છે તો શાસક પક્ષ વિપક્ષના દાનની માહિતી કેમ લે છે? વિપક્ષ ડોનેશનની માહિતી કેમ નથી લઈ શકતો? કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ અને વિજય હંસરિયા અરજદારો તરફથી હાજર રહ્યા હતા. 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ દિવસે સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર વેંકટરામણી કેન્દ્ર સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ અને વિજય હંસારિયા અરજદારો વતી હાજર થયા હતા.