ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે આરબીઆઇએ મોનિટરી પોલિસી બેઠકના પરિણામો જાહેર કરી દીધા અને આ વખતે સતત છઠ્ઠી વાર પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે રેપો રેટ 6.5 ટકાના દરે યથાવત્ રાખવાની જાહેરાત કરાઈ. જોકે આરબીઆઈની આ જાહેરાત શેરબજારને માફક નહોતી આવી અને થોડીક જ વારમાં માર્કેટમાં કડાકો બોલાઈ ગયો.
સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ટ્રેડિંગની શરૂઆત તો ગ્રીન સિગ્નલ સાથે થઇ હતી પરંતુ 10 વાગ્યા પછી જ્યારે આરબીઆઈ ગવર્નર દ્વારા મોનિટરી પોલિસી બેઠકનાં પરિણામો જાહેર કરાયા કે તેના બાદ તરત જ સેન્સેક્સમાં 694.05 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો અને તે 71457 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પહેલાં જ્યારે બજારની શરૂ ગ્રીન શરૂઆત થઇ હતી ત્યારે BSE Sensex 209.53 પોઈન્ટ એટલે કે 0.29 ટકાના ઉછાળા સાથે 72,361.53 પર તેજી બતાવી રહ્યો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ આરબીઆઈની જાહેરાત રેડ નિશાન જોવા મળ્યું. સ્ટોક માર્કેટની શરૂઆતમાં નિફ્ટી 60.30 પોઇન્ટ સાથે 0.27 ટકાની લીડ મેળવી 21,990.80 પર ટ્રેડ થઇ રહી હતી પરંતુ આરબીઆઈની જાહેરાત બાદ તેમાં કડાકો બોલાયો અને અહેવાલ લખવા સુધીમાં તેમાં 192.40 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો અને તે લપસીને 21,738.45 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહી હતી.