Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં નવ શખ્સો સામે એનડીપીએસ હેઠળ કાર્યવાહી

દ્વારકા જિલ્લામાં નવ શખ્સો સામે એનડીપીએસ હેઠળ કાર્યવાહી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુકાનદારો તેમજ અન્ય આસામીઓ દ્વારા દવાઓની આડમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરાતું હોવાથી આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી અને પાંચ ગુનાઓ નોંધ્યા છે. આ પ્રકરણમાં કુલ નવ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -

દ્વારકા જિલ્લામાં દારૂ, જુગાર ઉપરાંત નશાકારક અને હાનિકર્તા આયુર્વેદિક સીરપ ઉપરાંત દવાઓની આડમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરવામાં આવતા આ સામે નક્કર કામગીરી કરી અને આવી પ્રવૃત્તિઓ બંધ થાય તે માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જુદા જુદા વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. જેને અનુલક્ષીને સ્થાનિક પોલીસ મથક ઉપરાંત એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ પ્રકારની માહિતી મેળવી અને સમાજમાં ફેલાયેલા આ પ્રકારના નશાકારક દુષણો દૂર કરવા કાર્યવાહી કરાઈ હતી.

આ અંગેની વિગત મુજબ જિલ્લામાં અલગ-અલગ પ્રકારની દવાઓ દ્વારા ગંભીર નશાકારક પદાર્થોના પ્રકારના વેચાણ તેમજ હેરાફેરી કરતા પેડલરો તેમજ મુખ્ય આરોપીઓને ઝડપી લેવા માટે વર્ષ 2023-24 દરમિયાન એસ.ઓ.જી. પોલીસ દ્વારા કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા રાજેશ ગોકરભાઈ ડાભી (ઉ.વ. 35) અને સૂર્યાવદર ગામના ગોપાલ દેવશીભાઈ પરમાર નામના બે શખ્સોને નશાકારક કોડેઈન યુક્ત કફ સીરપની રૂપિયા 2,50,140 ની કિંમતની 1068 બોટલ સાથે તેમજ અન્ય એક પ્રકરણમાં આરંભડા વિસ્તારમાં રહેતા અને કર્મકાંડ કરતા અનિલ ઉમેશભાઈ બાબુભાઈ બાંભણિયા (ઉ.વ. 21) અને ભાટિયાના રવિ રામભાઈ કરમૂરને રૂપિયા 8,850 ની કિંમતની ચોક્કસ પ્રકારની 1,200 કેપ્સુલ સાથે ઝડપી લઇ, અલગ અલગ ગુનાઓ નોંધ્યા હતા.

- Advertisement -

સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હુસેની ચોક વિસ્તારમાં રહેતા મહમદમિયા જાવેદમિયા કાદરી (ઉ.વ. 30) અને તાલબ ઈસ્માઈલ સંધિને રૂ. 2,114 ની કિંમતની નશાકારક કોડેઈન યુક્ત કફ સીરપની 14 બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. અન્ય એક કાર્યવાહીમાં ખારી વિસ્તારમાં રહેતા સાલેમામદ ઉર્ફે સાલુ હાસમ ભટ્ટી નામના 36 વર્ષના શખ્સને રૂ. 6,075 ની કિંમતની કફ સીરપની 27 બોટલ સાથે એસ.ઓ.જી. પોલીસની મદદથી ઝડપી લેવાયા હતા.

ખંભાળિયામાં એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહીમાં અજમેર પીરની ટેકરી પાસે રહેતા ઈરફાન ઉર્ફે બાપુ અલારખાભાઈ શેઠા અને વિજય મથુરાદાસ ગોંડીયા નામના બે શખ્સોને 1,000 ટેબલેટ તેમજ બે મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 12,400 ના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યા હતા. આમ, એસ.ઓ.જી. પોલીસ દ્વારા નવ શખ્સો સામે નાર્કોટિક્સ સબસ્ટન્સ એક્ટ 1985 ની વિવિધ કલમ હેઠળ ગુનાઓ નોંધી, કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular