હાપા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ગઈકાલે યોજાયા બાદ આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વેપારી વિભાગની ચાર બેઠકોમાં તેમજ ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભાજપા પ્રેરીત પેનલનો વિજય થયો હતો. યાર્ડ ખાતે વિજેતા ઉમેદવારોને ફુલહાર કરી ફટાકડા ફોડી મોં મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત હાપા માર્કેટીંગ યાર્ડની ખેડૂત વિભાગ અને વેપારી વિભાગની બેઠકો માટે સોમવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 17 ઉમેદવારો અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે 11 ઉમેદવારો માટે મતદાન હાથ ધરાયું હતું. જેમાં ખેડૂત વિભાગમાં કુલ 760 મતદારો પૈકી 719 મતદારોએ મતદાન કર્યુ હતું. તેમજ વેપારી વિભાગમાં 110 મતદારો પૈકી તમામ મતદારોએ મતદાન કરતા 100 ટકા મતદાન થયું હતું. આ મતદાન પ્રક્રિયા સોમવારે પૂરી થયા બાદ મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.
મંગળવારે ચુંટણી અધિકારીએ જિલ્લા રજીસ્ટારની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વેપારી વિભાગની ચાર બેઠકોમાં ભાજપા પ્રેરીત પેનલનો ભવ્ય વિજય થયો હતો. વેપારી વિભાગમાં કુલ 110 મતદારોએ 100% મતદાન કર્યુ હતું. જે પૈકી કોટેચા હિરેન વિજયભાઈને 73 મત, ભંડેરી સંજયભાઇ જગદીશભાઈને 76 મત, મહેતા વિરેશ મનસુખલાલ ને 77 તથા સાવલિયા જયેશ રતીલાલને 61 મત મળતા પેનલનો વિજય થયો હતો. જ્યારે ખાખરીયા પ્રવિણભાઈને 29 મત, કોઠારી પ્રમોદકુમારને 19 મત, નંદાસણા તુલસીભાઈ અને ફલિયા અતુલકુમારને 19-19 મત મળતા હાર થઈ હતી.
આ ઉપરાંત ખેડૂત વિભાગની 10 બેઠકોમાં પણ ભાજપા પ્રેરીત પેનલનો વિજય થયો હતો. જેમાં ખેડૂત વિભાગમાં કુલ 760 મતદારો પૈકી 719 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં છૈયા અશ્ર્વિનભાઈ વિનોદભાઈને 625 મત, જાડેજા પ્રદ્યુમનસિંહ માલુભાને 616 મત, ઝાલા જયપાલસિંહ પ્રવિણસિંહને 610 મત, ભીમાણી દયાળજીભાઈ મોહનભાઇને 610 મત, કોરડીયા વિપુલ ચંદ્રેશભાઈ પટેલ 604 મત, ભંડેરી જમનભાઈ ડાયાભાઈને 600 મત, સોજીત્રા ચંદ્રેશભાઇ રામજીભાઈને 598 મત, સભાયા મુકુંદભાઈ ખોડાભાઈને 595 મત, જાડેજા ઉમેદસંગ ભવાનસંગને 589 મત તથા પરમાર જીતેનભાઈ કરશનભાઈને 579 મત મળતા ભાજપાની પેનલનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે અન્ય ઉમેદવારો આહિર વશરામભાઈ રાઠોડને 106 મત, દાવડા જેન્તીલાલને 82 મત, સબાડ જીલુભાઈને 77 મત, ધમસાણિયા ભૂપતભાઈને 66 મત, દુધાગરા જમનભાઈને 50 મત, જાડેજા મનહરસિંહને 82 મત તથા માંડવિયા વિઠ્ઠલભાઈને 46 મત મળતા પરાજય થયો હતો.