દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત સલાયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના તાલુકાના વચલા બારા ગામે આવેલી ગ્રામ પંચાયત ઓફિસની સામેથી કોઈપણ પ્રકારની માન્ય, અધિકૃત મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરતા રામચંદ્ર દશરથ ત્રીનાથ બિશ્ર્વાસ નામના 51 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.
મૂળ પશ્ર્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રહીશ એવા રામચંદ્ર બિશ્ર્વાસ દ્વારા ઊભા કરવામાં આવેલા દવાખાનામાં પોતે ડોક્ટર હોવાનો દેખાવ કરી અને આવા દવાખાનામાં વિવિધ પ્રકારની ટિકડીઓ, બાટલાઓ, સિરીંઝ, વિગેરે જેવા મેડિકલના તેમજ સારવારના સાધનો રાખીને ઉપરોક્ત શખ્સ દ્વારા માનવ જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 1,45,065 ના તબીબી સાધનો, રૂ. 2,170 રોકડા તથા રૂપિયા 7,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,54,235 નો મુદામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં આરોપી રામચંદ્ર બિશ્વાસ સામે સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 336 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. પ્રશાંત સિંગરખીયા, એએસઆઈ રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, કિશોરસિંહ જાડેજા, હરદીપસિંહ, સ્વરૂપસિંહ તથા સંજયભાઈ દ્વારા કરવામાં આવી હતી.