ખંભાળિયા શહેરમાં આવેલા એકમાત્ર હિન્દુ સ્મશાન સ્વર્ગપુરી સ્મશાનની ઇલેક્ટ્રીક ભઠ્ઠી કે જે ઘણા સમયથી બંધ હતી. તે સ્મશાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જહેમત બાદ પૂર્વવત કરાવી અને લોકો સમક્ષ સેવા અર્થે ખુલ્લી મૂકી છે. આ સ્મશાનની ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં હવે માત્ર સવા રૂપિયામાં મૃતદેહનો અગ્નિદાહ દઈ શકાશે.
ખંભાળિયામાં આવેલા સ્વર્ગપુરી સ્મશાનમાં ઘણા વર્ષો પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠી મહદઅંશે બંધ બની રહી હતી. છેલ્લા ત્રણેક વર્ષથી સદંતર બંધ હાલતમાં રહેલી ઈલેક્ટ્રીક ભઠ્ઠી તેમજ આ અંગેનું સંચાલન કે જે અગાઉ નગરપાલિકા પાસે હતું, તે સ્મશાન ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. ત્યારે સ્મશાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ઈલેક્ટ્રીક ભઠ્ઠી પુન: કાર્યરત કરવા બાબતે લક્ષ્ય કેળવી અને માત્ર એકાદ માસના ટૂંકા ગાળામાં ટેકનિકલ સહિતની કામગીરી સંપન્ન કરીને આ સ્મશાનની ઈલેક્ટ્રીક ભઠ્ઠી કાર્યરત બનાવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેવાભાવી દાતા સદગૃહસ્થ પદુભાઈ રાયચુરાની દેખરેખ તેમજ માર્ગદર્શન હેઠળ આ ભઠ્ઠી કાર્યરત કરવા કાર્યકરોને સફળતા મળી છે. આટલું જ નહીં, સ્મશાન ટ્રસ્ટમાં નવા સેવાભાવી ટ્રસ્ટીઓએ પણ જોડાઈ અને અહીંના પ્રશ્ર્નો તેમજ વિકાસ માટેનું બીડું ઝડપ્યું છે.
આ ઈલેક્ટ્રીક ભઠ્ઠી લોકો સમક્ષ અર્પણ કરતી વખતે ટ્રસ્ટીઓ, કાર્યકરો તેમજ સેવાભાવી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હવેથી માત્ર સવા રૂપિયામાં કોઈપણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી શકાશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. આમ, અગાઉ આ વહીવટ નગરપાલિકા પાસે હતો, તે હવે ટ્રસ્ટ પાસે આવતા લોકોને હવે દોઢ-બે હજાર રૂપિયાના લાકડાના ખર્ચ તેમજ સમયની બચત થશે. તે બાબતને ખૂબ જ આવકારદાયક ગણવામાં આવી છે.