જામનગર તાલુકાના નાઘેડી ગામના પાટિયા પાસે આવેલા ગેરેજના સંચાલકે ટ્રક તાત્કાલિક રીપેર કરવાની ના પાડતાં બે શખ્સોએ ગેરેજના સંચાલક સહિતના બે શખ્સોને ફડાકા મારી જાતિ વિષયક અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતો શૈલેષભાઇ ખીમજીભાઇ ભાંભી નામના યુવાનનું નાઘેડી ગામના પાટિયા પાસે ગોવાળિયા હોટલની બાજુમાં ગેરેજ આવેલું છે. ગેરેજની બાજુમાં ટ્રાનસર્પોટની ઓફિસ ધરાવતા મુળુભાઇ મેરામણભાઇ મોઢવાડિયા, પોપટભાઇ મેરામણભાઇ મોઢવાડિયા નામના બન્નેભાઇઓ ગત તા.29ના રાત્રિના સમયે ટ્રક રીપેર કરાવવા માટે શૈલેષના ગેરેજ ગયા હતા જયાં શૈલેષે તાત્કાલિક ટ્રક રીપેર નહીં થઇ શકે તેમ જણાવતા બન્ને શખસોએ એક સંપ કરી જાતિ વિષયક હડધૂત કરી ગાળો કાઢતા હતા. જેથી શૈલેષે ગાળો કાઢવાની ના પાડતાં શૈલેષ અને વિજયભાઇ નામના બે વ્યકિતઓને બન્ને ભાઇઓને 2-3 ફડાકા મારી કાઠલા પકડી અમારી ગાડી જયારે આવે ત્યારે તાત્કાલિક રીપેર કરી આપવી પડશે નહીં તો પતાવી દેશું તેવી ધમકી આપી હતી. હુમલો કરી અપમાનિત કર્યાના બનાવ અંગેની જાણ કરાતા ડી.પી. વાઘેલા તકથા સ્ટાફે બે ભાઇઓ વિરૂધ્ધ એટ્રોસિટી અને ધમકીનો ગુન્હો નોંધી બન્નની ધરપકડ માટે તપાસ આરંભી હતી.