ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા ચાર રસ્તા વિસ્તારમાં આજરોજ બપોરે એક મોટરકારમાં એકાએક આગ ભભુકી ઉઠતા થોડો સમય ભય સાથે દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે ફાયર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખંભાળિયામાં ચાર રસ્તા નજીક વિજય સિનેમા સામે જી.જે. 10 ડી.ઈ. 6202 નંબરની એક અર્ટીગા મોટરકાર ચાલુ હાલતમાં હતી, ત્યારે એકાએક આ કારમાં આગ ભભુકી ઉઠી હતી. કારમાં આગ લાગતા ચાલકે સમય સૂચકતા વાપરીને બ્રેક મારી, કારને એક સાઈડમાં થંભાવી દીધી હતી અને સલામત રીતે બહાર નીકળી ગયો હતો.
આ અંગેની જાણ અહીંના ફાયર સ્ટાફને કરવામાં આવતા ફાયર સ્ટાફના મનસુખભાઈ મારુ, નિમેષભાઈ, શિવરાજસિંહ ઝાલા અને જયપાલસિંહ જાડેજાએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સદભાગ્યે કારમાં લાગેલી આ આગથી કોઈ જાનહાની થવા પામી ન હતી.