Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ

ખંભાળિયામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ

- Advertisement -

ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આગમી તા. 14 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ખંભાળિયામાં બુધવારે એસ.એન.ડી.ટી. હાઈસ્કુલ ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

- Advertisement -

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, આપણે જ્યારે રોડ ઉપર બાઈક કે કાર લઈને નીકળીએ છીએ ત્યારે એક વાત હંમેશા યાદ રાખવી કે આપણો પરિવાર આપણા ઘરે પરત ફરવાની રાહ જોતો હશે. દેશના ભવિષ્યનો આધાર યુવાઓ છે ત્યારે યુવાઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તેમજ બાઈકની સ્પીડ વધુના રાખી ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે. કાર ચલાવતી વખતે પણ સીટ બેલ્ટ બાંધવો જોઈએ. રોડ પરની ગતિ મર્યાદા અને અન્ય સાઈનેજનું પાલન કરવું જોઈએ. વધુમાં તેમણે સૌને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને અન્યને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન કરતા કર્મયોગીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય એ જણાવ્યું કે, લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા આવે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજણ આપવા માટે આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. બાઈક કે કાર ચલાવતી વખતે વધુ સ્પીડ ના હોય તેની કાળજી રાખીએ તેમજ ડ્રાઈવિંગ કરતા સમયે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. માટે આપણે પણ હેલ્મેટ પહેરીએ અને અન્યને પણ પ્રેરણા આપીએ. આ પ્રસંગે હિતેન્દ્રભાઈ આચાર્ય તેમજ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પરાગભાઈ બરછા દ્વારા પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી.

- Advertisement -

આ સાથે રોડ સેફ્ટી અંગે યોજાયેલી નિબંધ સ્પર્ધાના વિજેતાઓને હેલ્મેટ વિતરણ, શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજની છાત્રાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતિ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો અને છાત્રો દ્વારા માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા, જોખમી રીતે વાહન નહિ ચલાવવા અંગેનો સંકલ્પ લીધો હતો. આ આયોજનમાં એ.આર.ટી.ઓ. જી.વી. તલસાણીયા દ્વારા ઉપસ્થિતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન યોજાનાર અલગ અલગ કાર્યક્રમો અંગે માહિતી તેમના દ્વારા આપવામાં આવી હતી. અંતમાં કે.આર. ડોબરીયા દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર અશોક શર્મા તેમજ જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણીએ હેલ્મેટ પહેરી બાઈકની સવારી કરી હતી. અને લોકોને કાયદાનું પાલન કરવા તેમજ બાઈક પર સવારી કરતી વેળાએ હેલ્મેટ પહેરવા અંગે પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ગોસ્વામી, સહિતના જિલ્લા માર્ગ સલામતી સમિતિના સભ્યો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular