જામનગરમાં નિવૃત્ત ફૌજીનું સ્વાગત કરાયું હતું અને તેના પરિવારજનો સહિતના દ્વારા તેમને ફૂલહાર કરી સ્વાગત યાત્રા યોજી હતી.
જામનગર શહેરના પટેલ પાર્ક પાસે જડેશ્ર્વર મહાદેવ મંદિર પાસેથી સુબેદાર જીગ્નેશભારથી ગોસ્વામી નામના ફૌજી નિવૃત્ત થતાં તેમની સ્વાગત યાત્રાનું આયોજન કરાયું હતું. સુબેદાર જીગ્નેશભારથી ગોસ્વામી નામના ફૌજી 11 મરાઠા લાઇટ રેજિમેન્ટના સુબેદાર તરીકે કાશ્મિર, દ્વાશ, કારગિલ, લેહ-લદાખ, કેદારનાથ વિસ્તારની પાકિસ્તાન-ચીન બોર્ડર પર ફરજ બજાવી ચૂક્યા છે અને સૈનિક તરીકેની 28 વર્ષની ફરજ પૂર્ણ કરી 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા હતાં. નિવૃત્ત થઇ તેઓ તેના વતન જામનગર પહોંચતાં તેમના પરિવારજનો-પાડોશીઓ અને લત્તાવાસીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પટેલ પાર્ક પાસે આવેલ જડેશ્ર્વર મહાદેવ મંદિરથી તેમના નિવાસસ્થાન સુધી તેમની સ્વાગતયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.