જામજોધપુર તાલુકાના સમાણા ગામની સીમમાં ખેતમજૂરી કામ કરતા પરિવારની યુવતી પાંચ દિવસ પહેલાં ભૂલથી ઝેરી દવા પી જતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સમાણા ગામની સીમ વિસ્તારમાં આવેલી વલ્લભભાઈ પટેલની વાડીમાં મજૂરી કામ કરતા પ્રેમસીંગભાઈ રાયસીંગભાઈ મગોડ નામના યુવાનની પુત્રી ભારતીબેન (ઉ.વ.18) નામની યુવતી ગત તા. 28 ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં તેના ખેતરે હતી તે દરમિયાન સતત માથાનો દુ:ખાવો થવાથી માથાની ટીકડી લેવાને બદલે ભુલથી ઝેરી દવા પી ગઈ હતી. ત્યારબાદ યુવતીને સારવાર માટે જામજોધપુર અને ત્યાંથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીનું મંગળવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા પ્રેમજીભાઈ દ્વારા જાણ કરાતા એ એમ પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.