ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ હવે સામાન્ય બની ગયા છે. શહેરમાં આખલાઓ વચ્ચેની લડાઈથી અવારનવાર વાહનોને નુકસાન થવા ઉપરાંત કેટલાક લોકો ઢીંકે ચડતા હોવાની બાબતે લોકોમાં રોષની લાગણી પ્રસરાવી છે.
ખંભાળિયાની મેઈન બજાર, સુપર માર્કેટમાં આજરોજ સવારે બે મજબૂત આખલાઓ જાણે જંગે ચડ્યા હોય તેમ લાંબો સમય સુધી બાખડ્યા હતા. જેના કારણે થોડો સમય લોકોમાં દોડધામ મચી જવા પામી છે. આશરે 20 થી 25 મિનિટ સુધી સતત યુદ્ધે ચડેલા આ આખલાઓને છૂટા પાડવા વેપારીઓ, રાહદારીઓએ ઠંડા પાણી તેમજ લાકડીનો સહારો લીધો હતો. પરંતુ જાણે જીદે ચડેલા આ નંદીઓએ થોડો સમય જાણે તોફાન મચાવી હોય તેવું ચિત્ર ખડું થયું હતું.
આખલાઓના ત્રાસથી નગરજનો હવે ગળે આવી ગયા છે. જેને નાથવા તંત્ર પણ વામણું પુરવાર થઈ રહ્યું છે.