જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી તસ્કરોનો તરખાટ અનેકગણો વધી ગયો છે. તેમાં પણ ખાસ કરીને શહેરી વિસ્તારમાં તસ્કરો બેખોફ બની ગયા છે. શહેરના ત્રણબતી વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનોમાં તસ્કરોએ ત્રાટકીને 50 હજારની માલમતા ચોરી કરી ગયા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી તસ્કરોનો રંજાડ પ્રજાને પરેશાન કરે છે. શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેખોફ બની ચોરીને અંજામ આપી રહ્યા છે. પોલીસ દ્વારા રાત્રિના સમયે શહેર તથા જિલ્લામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. પરંતુ પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ તસ્કરો બેકાબુ બનીને ચોરીઓ આચરતા રહે છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગના નામે પ્રજાના પરસેવાની કમાણીનો ધુમાડો કરવામાં આવે છે અને પેટ્રોલિંગ માત્ર મુખ્ય રોડ પર જ કરાતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અનેક શેરી વિસ્તારોમાં લુખ્ખા તત્વો પણ બેખોફ બની ગયા છે. ત્યારે પોલીસ અધિક્ષકના બંગલાની પાછળ આવેલી ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટકયા હતાં. આ દુકાનોમાં છતના ભાગમાંથી પ્રવેશ કર્યો હતો. જેમાં ઝુલેલાલ પ્રોવિઝન સ્ટોર્સ, ખોડિયાર ઈલેકટ્રીક એન્ડ અગરબતી તથા અન્ય એક દુકાનમાં છાપરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તસ્કરોએ ત્રણ દુકાનોમાંથી અંદાજે અડધા લાખની કિંમતના સામાનની ચોરી કરી ગયા હતાંં.
શહેરના હાર્દસમા અને ડીએસપી બંગલા પાછળના મુખ્ય રોડ પર તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની સતર્કતા અંગે અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા છે. બનાવની જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તસ્કરોનો ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી. ઉલ્લેખનીય બાબતે એ છે કે, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન આ વિસ્તારમાં પાંચ થી સાત વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તેથી પોલીસની ધાક ઓસરતી જતી હોય તેવું જણાઇ રહ્યું છે.