જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં યુવકે વાપરવાના પૈસા ન આપતા લુખ્ખા શખ્સે અન્ય શખ્સો સાથે મળી યુવકના ઘરમાં પ્રવેશ કરી છરી અને પાઈપ વડે તથા લાકડાના ધોકા વડે હુમલો કરી ઘરમાં તોડફોડ કરી આતંક મચાવ્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં એમ.11 રૂમ નં.2643 માં રહેતાં પુનિતભાઇ બિપીનભાઈ દાણીધાર નામના યુવક પાસેથી સાધના કોલોનીમાં જ રહેતાં હર્ષ પરેશ મહેતા નામના શખ્સે વાપરવાના રૂપિયા માંગ્યા હતાં. જે આપવાની ના પાડતા પુનિત સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી રવિવારે રાત્રિના સમયે હર્ષ મહેતા, અજય વાલ્મિકી ઉર્ફે અજુભા, અજય બરસા અને અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી પુનિતના ઘરમાં ઘુસી જઇ છરી વડે માથાના ભાગે ઘા ઝીંકયો હતો. તેમજ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે પુનિત ઉપર આડેધડ ઘા ઝીંકયા હતાં. યુવક ઉપર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
સાધના કોલોનીમાં લુખ્ખા તત્વએ આતંક મચાવ્યાના બનાવમાં પુનિતભાઈએ જાણ કરતા પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો અને તોડફોડનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. સાધના કોલોની વિસ્તારમાં લુખ્ખા તત્વોના આતંક સામે રહેવાસીઓએ પોલીસમાં કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.