રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં જામનગર ક્ષત્રિય રાજપૂત સમાજ તથા રાજપૂત કરણી સેના દ્વારા જામનગર કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામનગર ક્ષત્રિય રાજપૂત સમાજ તથા કરણી સેના સહિતના વિવિધ હિન્દુ સંગઠનો તથા રાજપૂત સંગઠનો દ્વારા રાષ્ટ્રિય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. જામનગર રાજપૂત સમાજ લાલબંગલા ખાતે સુખદેવસિંહ ગોગામેડીના આત્માની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભા બાદ ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ, કરણી સેના સહિતના વિવિધ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં રાજપૂત સમાજના અગ્રણી સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે માટે માગણી કરવામાં આવી હતી.
જામનગર રાજપૂત યુવા સંઘ ટ્રસ્ટ, જામનગર જિલ્લા રાજપૂત સમૂહલગ્ન સમિતિ, ગજકેશરી ફાઉન્ડેશન ક્ષત્રિય યુવા સંગઠન-જામનગર, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, જામનગર રાજપૂત યુવા સંગઠન તથા મહાકાલ સેના સહિતની રાજપૂત સંસ્થાઓના અગ્રણીઓ તથા વિવિધ રાજપૂત સંસ્થાઓ ઉપસ્થિત રહી આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.