જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતો શખ્સ તેના મકાનમાં બનાવટી ઘી નું વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રૂા. 2.65 લાખની કિંમતનો 555 કિલો ભેળસેળયુકત ઘી કબ્જે કરી તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના 49 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેતો ચિરાગ તેના ઘરે બનાવટી ઘીનું વેંચાણ કરતો હોવાની એસઓજીના હર્ષદ ડોરીયા, દિનેશ સાગઠીયા, અનિરૂધ્ધસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી. પરમાર, આર.એચ.બાર તથા સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન ચિરાગ મનસુખ હરિયાના મકાનમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓન સાથે રાખી તલાસી લેતા મકાનમાંથી શંકાસ્પદ ભેળસેળયુકત ઘીના પંદર કિલોના પંદર ડબ્બા,10 કિલોના 5 ડબ્બા અને 15 કિલોના ટીનના 17 નંગ કીટલા સહિત કુલ રૂા.2,65,000 ની કિંમતનો 555 કિલો ભેળસેળયુકત ઘી મળી આવતા પોલીસે ઘીનો જથ્થો કબ્જે કરી મિલન હરીયા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.