મીઠાપુર નજીકના દરિયામાંથી કિનારેથી ગઈકાલે એક માનવીનું હાડપિંજર જેવું મળી આવતા આ અંગે સ્થાનિક રહીશે પોલીસને જાણ કરી હતી. જે સંદર્ભે પોલીસ સ્ટાફે જરૂરી તપાસ શરૂ કરી છે.
આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, મીઠાપુરથી આશરે પાંચ કિલોમીટર દૂર આરંભડા ગામની સીમમાં આવેલી એક ખાનગી કંપનીના પાછળના ભાગે આવેલા દરિયા કિનારે સ્થિત ચેરના ઝાડની ઝાડીઓમાં એક માનવ કંકાલ પડ્યું હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા આ અંગે આરંભડા ખાતે રહેતા ભગતભા રાણાભા માણેકએ મીઠાપુર પોલીસને જાણ કરી હતી. જેના અનુસંધાને સ્થાનિક પોલીસ સ્ટાફ આ સ્થળે દોડી ગયો હતો.
અહીં કોઈ અજાણ્યા સ્ત્રી અથવા પુરુષનું હાડપિંજર પડ્યું હોવાથી આ વ્યક્તિ કોઈપણ કારણોસર દરિયાના પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામી હતી અને તેના શરીરના ભાગો ખવાઈ ગયા બાદ તેનું હાડપિંજર દરિયાકિનારે તણાઈને આવી ગયું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, વિવિધ દિશાઓમાં તપાસ આરંભી છે.