જામનગર શહેરના પ્રખ્યાત એવા ફરસાણના વેપારીના યુવાન પુત્રને બુધવારે સાંજના સમયે દુકાનમાં હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજયમાં છેલ્લાં ઘણાં સમયથી નાના બાળકોથી લઇ યુવાનોના હૃદયરોગના હુમલાને કારણે મોત નિપજવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને 45 વર્ષ સુધીના યુવાનોના હાર્ટએટેકથી મોત નિપજવાની ઘટનાઓ કોરોનાકાળ પૂર્ણ થયા બાદ અનેકગણી વધી ગઇ છે. ત્યારે જામનગર શહેરમાં એસ.ટી. ડેપો સામે આવેલા કૈલાશનગરમાં રહેતાં અને રણજીતનગરમાં આવેલી ખ્યાતનામ જૈન વિજય ફરસાણના વેપારી રસીકભાઈના પુત્ર સુમિત રસીકભાઈ પઢીયાર (ઉ.વ.29) નામના યુવાનને બુધવારે સાંજના સમયે તેની દુકાનમાં જ હૃદયરોગનો હુમલો આવતા કર્મચારીઓ તથા પરિવારજનો દોડી આવ્યા હતાં.
ત્યારબાદ યુવાનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. યુવાનના મોત નિપજવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટનાએ હાલારવાસીઓના યુવાનોમાં ફફડાટ ફેલાવી દીધો છે. મૃતક યુવાનના લગ્ન ત્રણ વર્ષ પહેલાં જ થયા હતાં.