Thursday, January 9, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો

ખંભાળિયામાં તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો

ભાણવડમાં માર્કેટ યાર્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

- Advertisement -

ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ ટેક્નોલોજી તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રાજ્યના તમામ તાલુકામાં તા. 24 તથા 25 નવેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં ખંભાળિયા તાલુકાનો કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો. ભાણવડ તાલુકાનો કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો.

- Advertisement -

રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા શ્રી અન્ન, બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત દ્વારા પ્રાકૃતિક કૃષિના અનુભવો વ્યક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સહકાર વિભાગના 20 મુદ્દા કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા શ્રી અન્નના ફાયદા તેમજ અન્નને આપનાવી રોગમુક્ત થઈએ તેમ જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા અમલીકરણ અધિકારી પી.બી. પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું હતું.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજીત આ રવિ કૃષિ મહોત્સવના મુખ્ય આકર્ષણો કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન, સરદાર પટેલ કૃષિ સંશોધન, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ, પશુ આરોગ્ય કેમ્પ, સેવા સેતુ તેમજ સહકારી પ્રવૃત્તિની રૂપરેખા છે.

- Advertisement -

આ પ્રસંગે જિલ્લા કલેકટર અશોક શર્મા અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી દ્વારા ખંભાળિયા તાલુકાના રામનગરના જાગૃતિબેન કણઝારીયાને તાલુકા કક્ષા બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ (પશુપાલન)થી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખેડૂતોને મહાનુભાવોના હસ્તે યોજનાના મંજૂરીપત્રો, સહાય હુકમોના વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, અગ્રણી ભરતભાઈ ચાવડા, ઘનશ્યામસિંહ જાડેજા, મામલતદાર વિક્રમ વરૂ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠીયા તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકામાં આયોજન કરવામાં આવ્યું છે તેમાં કલ્યાણપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભાટિયાના માર્કેટીંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

જિલ્લા પંચાયતના સદસ્ય જગાભાઈ ચાવડાએ ગાય આધારિત ખેતી કરવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત જિલ્લા ખેતીવાડી અધિકારી ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગઢકા ગામના જયશ્રીબેન નકુમને જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તેમજ ભોપલકા ગામના હરપાલસિંહ જાડેજાને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ રવિ કૃષિ મહોત્સવમાં અન્ન મિલેટ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, સહકાર વિભાગના 29 મુદ્દા કાર્યક્રમ, એફ.પી.ઓ.ની કામગીરી, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો તથા ઈનપૂટસનો ઉપયોગ, બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી વિગેરે બાબતો પર કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

રવિ કૃષિ મહોત્સવમાં કુલ 21 લાભાર્થીઓને પેમેન્ટ હુકમ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જુદા જુદા 30 જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા ઉપસ્થિતો દ્વારા આ સ્ટોલની મુલાકાત પણ લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ સુમાત ચાવડા, નથુભાઈ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.પી. ગોહિલ, મામલતદાર બી.એન. ખાનપરા તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular