જામનગરની તપોવન સ્કૂલ તથા ક્રિષ્ના સ્કૂલ દિવાળી વેકેશન હોવા છતાં ચાલુ હોય, જામનગર એનએસયુઆઇ દ્વારા તપોવન સ્કૂલના આચાર્યને આવેદનપત્ર પાઠવી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને વેકેશન જાહેર કરવા માગણી કરવામાં આવી હતી.
એનએસયુઆઇ દ્વારા તપોવન સ્કૂલ તથા ક્રિષ્ના સ્કૂલના આચાર્યને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા. 9 થી 29 નવેમ્બર સુધી 21 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. છતાં પણ શાળા વેકેશનના નિયમ વિરુધ્ધ ચાલુ રાખવામાં આવી છે. આથી તા. 29 સુધી વિદ્યાર્થીઓને વેકેશન જાહેર કરવામાં આવે અને શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા રજૂઆત કરાઇ હતી. એનએસયુઆઇ જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એનએસયુઆઇ ગુજરાત મહામંત્રી મહિપાલસિંહ જાડેજા તથા જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.