દિવાળીના તહેવાર બાદ અને લગભગ બે દાયકા પછી ટાટા કંપનીનો આઈપીઓ ખુલ્લો મૂકાયો છે. ટાટા કંપનીના TATA TECH, FLAIR PEN, GANDHAR OIL, FED BANK, IREDA સહિતની પાંચ કંપનીઓના આઈપીઓ માર્કેટમાં ખુલ્યા છે ત્યારે રોકાણકારો દ્વારા સારા શેરમાં નાણાં રોકવા માટે આ પાંચ આઈપીઓમાં નાણાં રોકનારાઓની કતારો જોવા મળી છે. જો કે, હાલના સમયમાં મોટાભાગે ઓનલાઈન આઈપીઓ ભરવામાં આવતા હોવાથી બેંકોમાં અગાઉના સમય કરતાં ભીડ ઓછી જોવા મળે છે. પરંતુ, આજે આ પાંચ આઈપીઓના કારણે જામનગર શહેરની બેંક ઓફ બરોડા, એસબીઆઈ સહિતની સરકારી બેંકોમાં આઇપીઓ ભરતા સમયે જ સર્વર ઠપ્પ થઈ જતાં રોકાણકારો ચિંતામાં મૂકાય ગયા છે.
દેશની વિખ્યાત એવી ટાટાની એક કંપનીનો આઇપીઓ આશરે 20 વર્ષ બાદ આવ્યો હોવાથી રોકાણકારોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ તેની સાથે સાથે ખુલેલા અન્ય ચાર સારી કંપનીના આઈપીઓ ખુલતા રોકાણકારો દ્વારા આ પાંચ આઈપીઓમાં નાણાં રોકવા માટે પડાપડી થઈ રહી છે. હાલની પરિસ્થિતિ જોતાં આ પાંચેય કંપનીઓના આઈપીઓ 10 થી 15 ગણા ભરાવાની શકયતાઓ રહેલી છે પરંતુ આઈપીઓ બંધ થાય ત્યારબાદ જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે તેમ છે. અત્યારે તો આઈપીઓ ભરવા માટે રોકાણકારો ઓનલાઈન ન ભરાય તો બેંકમાં આઈપીઓ ભરવા માટે તલપાપડ થઈ રહ્યા છે. જો કે, ખાનગી સેકટરની બેંકોમાં ઓનલાઈન આઈપીઓ ભરવામાં સરકારી બેંકોની સરખામણીએ અનેકગણી સરળતા રહેલી છે.