કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં કૂવો ગાળવાનું કામ કરતા શ્રમિક યુવાનનો પગ લપસી જતાં યુવાનના માથા ઉપર પથ્થરો પડતા ગંભીર ઈજા પહોંચતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જામજોધપુર તાલુુકાના મોટી ગોપ ગામમાં રહેતાં વૃધ્ધને શ્વાસની તકલીફ થવાથી જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના કલાણા ગામમાં રહેતો મુકેશભાઇ દેવજીભાઈ ચૌહાણ (ઉ.વ.30) નામનો યુવાન કૂવો ગાળવાનું મજૂરી કામ કરતો હતો દરમિયાન મંગળવારે સવારના સમયે કાલાવડ તાલુકાના નાના વડાળા ગામની સીમમાં આવેલા જયેશભાઈ પટેલના ખેતરમાં કૂવો ગાળવાનું કામ કરતા હતાં ત્યારે કૂવો ગાળવાના ખાટામાંથી ગાળ ખાલી કરવા જતા સમયે ગાળના ઢગલા પર લપસીને નીચે પટકાતા ગાળના પથ્થરો મુકેશભાઈના માથા પર પડતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત મુકેશભાઈને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની રમેશભાઈ પરમાર દ્વારા જાણ કરાતા હેકો વાય.પી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતાં ધનજીભાઈ ચનાભાઈ ચૌહાણ (ઉ.વ.60) નામના વૃધ્ધને ગત તા.4 ના રોજ સાંજના સમયે તેના ઘરે શ્વાસની તકલીફ થવાથી સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મંગળવારે બપોરના સમયે વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રાકેશભાઈ સુવાડા દ્વારા જાણ કરાતા હેકો આર.કે. કંડોરીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.