જામનગર તાલુકાના ફલ્લા નજીક રાજકોટ ધોરીમાર્ગ પર ચાલીને વાડી તરફ જતાં માતા અને પુત્ર રસ્તો ક્રોસ કરતાં હતાં તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ટેન્કરને બાળકને હડફેટે લેતા માતાની નજર સમક્ષ પુત્રનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતાં મોતીબેન બાબુભાઇ બાંભવા નામના મહિલા શનિવારે સાંજના 6 વાગ્યાના અરસામાં તેના પુત્ર રમેશ સાથે વાડીએથી તેના ઘરે જવા માટે રાજકોટ ધોરીમાર્ગ પર રસ્તો ક્રોસ કરતા હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવી રહેલા જીજે-10-ટીએકસ-3630 નંબરના ટેંકરચાલકે રમેશ બાબુભાઈ બાંભવા (ઉ.વ.13) નામના બાળકને ઠોકર મારી હડફેટે લેતા ટેન્કરના તોતિંગ વ્હીલ બાળક ઉપર ફરી વળતા શરીરે તથા કમરના ભાગે ગંભીર ઈજા પહોંચતા માતાની નજર સમક્ષ જ પુત્રનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવન અંગે મૃતકના કાકા બકાભાઈ બાંભવા દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી ટેન્કરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.