ખંભાળિયામાં રવિવારે દિવાળીની રાત્રે જુદા-જુદા વિસ્તારોમાં નવ સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા હતા. જેના કારણે ફાયર ફાઈટર તથા સ્ટાફ દ્વારા અવિરત રીતે કામગીરી કરવામાં આવી હતી. જો કે આ બનાવોમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
ખંભાળિયાના પોસ એવા નવાપરા નજીક આવેલા શ્યામ પેલેસમાં પાંચમાં માળે રહેતા મહેન્દ્રભાઈ માવાણીના ફ્લેટમાં રવિવારે રાત્રે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. નસીબ જોગે આગ લાગવાના સમયે ફ્લેટમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જો કે આ આગના કારણે ફ્લેટમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
નગર ગેઈટ વિસ્તારમાં આવેલી જૂની સરકારી હોસ્પિટલના રેકોર્ડ રૂમમાં રવિવારે રાત્રે ફટાકડાના કારણે અંદરની જગ્યાએ આગ ભભૂકી ઉઠી હતી. અહીં રાખવામાં આવેલા ફાઈલના ત્રણ પૈકીના એક રેક પર રાખવામાં આવેલી ફાઈલો બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે અન્ય ફાઈલોને સલામત રીતે કાઢી લેવામાં આવી હતી. ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલના ઉપરના ભાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અત્રે વિજય સિનેમા પાસે તેલી નદીના પુલ નજીક તેમજ કબીર આશ્રમની બાજુમાં આવેલા એક ખુલ્લા વાડામાં, પઠાણ પાડા વિસ્તારમાં આવેલા એક ઘરની બાજુમાં રહેલા ખુલ્લા ઘાસમાં, હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા રાધે ક્રિષ્ના મંદિર પાસે કચરામાં, પોર ગેઈટ નજીક બ્રહ્મપુરીની બાજુમાં આવેલા એક બંધ મકાનમાં તેમજ સુખનાથ મંદિર પાસેના એક વાડામાં ફટાકડાના કારણે આગ લાગી હતી. પરંતુ આ સ્થળોએ કોઈ નુકસાની થઈ ન હતી. રવિવારે રાત્રે આઠેક વાગ્યાથી આજે વહેલી સવાર સુધી ફાયર સ્ટાફના જવાનોએ અવિરત રીતે ફાયર ફાઈટરની મદદથી ઉપરાંત ગીચ વિસ્તારમાં ડોલ વડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.
આ કામગીરી જિલ્લા ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ વાયરલેસ ઓફિસર ધવલ ગોજીયા, મનસુખભાઈ મારુ, સુખદેવસિંહ વાઢેર તથા જયપાલસિંહ જાડેજા (ભાતેલ) દ્વારા કરવામાં આવી હતી.
સોમવારે રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના સમયે કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામના પાટીયા પાસે આવેલા રાધે ક્રિષ્ના બાયોકોલ મિલમાં સ્ટોરેજ કરવામાં આવેલા ભુક્કામાં કોઈ કારણોસર ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લાના ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સુચના મુજબ સ્ટાફ ફાયર ફાયટર સાથે દોડી ગયો હતો. કરસનભાઈ નામના એક આસામીની માલિકીના આ બાયોકોલ મિલમાં ફાયર વિભાગ ઉપરાંત આર.એસ.પી.એલ. કંપની વિગેરેના ફાયર ફાઈટરના સ્ટાફના જવાનોએ મંગળવારે સવારે આઠ વાગ્યા સુધી પાણીનો અવિરત રીતે મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. આ સમગ્ર કાર્યવાહી ફાયર સ્ટાફના મનસુખભાઈ મારુ, નરેશ ધ્રાંગુ, સંજયભાઈ, ઈર્શાદ મંધરા અને જયપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. આગના આ બનાવે થોડો સમય દોડધામ સાથે ભયનો માહોલ પ્રસરાવી દીધો હતો.