Friday, November 22, 2024
Homeરાજ્યદ્વારકાની  હોટલોની ડમી વેબસાઈટ બનાવીને યાત્રાળુઓને છેતરનારો લખનૌથી ઝડપાયો

દ્વારકાની  હોટલોની ડમી વેબસાઈટ બનાવીને યાત્રાળુઓને છેતરનારો લખનૌથી ઝડપાયો

સાયબર ક્રાઇમ પોલીસે અનેકવિધ ગુનાઓનો ભેદ ઉકેલ્યો : જુદા જુદા પ્રકારની 250 જેટલી ફેક ગૂગલ એડ બનાવી હતી

- Advertisement -

સુવિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં આવેલી જુદી જુદી જાણીતી હોટલોની ફેક આઈ.ડી. બનાવીને અનેક યાત્રાળુઓ શ્રદ્ધાળુઓને છેતરપિંડી કરવા માટે બનાવટી વેબસાઈટ બનાવનાર મુખ્ય સૂત્રધારને દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસે લખનઉથી ઝડપી લીધો હતો. આ શખ્સ દ્વારા આશરે 250 થી વધુ ફેક વેબસાઇટ અને ગૂગલ એડ્સ બનાવી હોવાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની સિલસિલા બંધ વિગત મુજબ દ્વારકામાં આવેલી સ્ટાર કેટેગરીની લેમન ટ્રી પ્રીમિયર હોટલ, દ્વારકાધીશ લોર્ડ ઇકો ઈન હોટલ, લેઉવા પટેલ સમાજ વિગેરેની બનાવટી વેબ સાઈટના આધારે અનેક યાત્રાળુઓના ઓનલાઇન બુકિંગ કરાવી અને છેતરપિંડી થયાના બનાવોના અનુસંધાને સ્થાનિક મેનેજર, વ્યવસ્થાપક દ્વારા દ્વારકા પોલીસ મથકમાં છેતરપિંડી તથા આઈ.ટી. એક્ટ વિગેરે કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આટલું જ નહીં, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ગૂગલ સર્ચમાં ફેક વેબસાઈટ મારફતે બનાવટી બિલ બનાવી અને દર્શનાર્થીઓ સાથે વિશ્વાસઘાત કરવા સબબ 120 (બી), 420 સહિતની જુદી જુદી કલમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. યાત્રાધામ દ્વારકાના નામે આ પ્રકારની છેતરપિંડી થતી હોવાથી આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લા સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ સાથે ચર્ચાઓ કરી અને આવા પ્રકરણનો ભેદ ઉકેલવા માટે સૂચના આપવામાં આવી હતી  જેને લઈને પી.આઈ. બ્લોચ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, ટેકનિકલ માહિતી એકત્ર કરીને એનાલિસિસ કર્યા બાદ આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાની સચોટ માહિતી મેળવી લેવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં પોલીસે બનાવટી વેબસાઈટ અને ગૂગલ એડ્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર એવા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના ગાઝીપુર જિલ્લાના વતની અને હાલ લખનઉ ખાતે રહેતા અને ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા નીરજ સદાનંદ તિવારી નામના 34 વર્ષના શખ્સને દબોચી લીધો હતો.

પોલીસની તપાસમાં બી.એ. સુધીનો અભ્યાસ કરેલા આરોપી નીરજ તિવારી વર્ષ 2008માં એરફોર્સમાં જોડાયો હતો. તે આસિસ્ટન્ટ મીટીયોરોલોજી તરીકે કામ કરતો હતો. તે દરમિયાન અન્ય યુવતી સાથે લગ્નેતર સંબંધ બંધાતા આ અંગેની ફરિયાદ તેના પત્ની દ્વારા એરફોર્સમાં કરવામાં આવી હતી. જેથી વર્ષ 2017 માં તેણે આ નોકરી છોડી દીધી હતી.

- Advertisement -

આરોપી નીરજ દ્વારા કાનપુરમાં જુદાજુદા સ્થળોએ નોકરી કરી અને ગુગલ લિસ્ટિંગ, મેપિંગનું કામ કરતી એક ખાનગી કંપનીમાં નોકરી કર્યા બાદ ગૂગલ લિસ્ટ અંગેનું જ્ઞાન તેણે મેળવી લીધું હતું. અહીં એક વર્ષથી ઓછા સમયગાળામાં તેણે પોતાની ડિજિટલ માર્કેટિંગ કંપની શરૂ કરી દીધી હતી. જેમાં તેના દ્વારા ગુગલ લિસ્ટિંગ અને ગૂગલ પ્રોફાઈલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

2021 માં અજય નામના તેમજ વર્ષ 2022 માં નફીસ નામના શખ્સ સાથે સંપર્કમાં આવ્યો હતો અને આ શખ્સો દ્વારા લોન અને કોઈનની તેમજ નફીસ માટે જુદી જુદી 30 જેટલી હોટલો, રિસોર્ટના બુકિંગ માટેની વેબસાઈટ બનાવવામાં આવી હતી. આ કામ માટે આ શખ્સ રૂ. આઠ થી દસ હજારનો પોતાનો ચાર્જ વસૂલતો હતો. આ શખ્સ દ્વારા પોતે 250 જેટલી ફેક ગૂગલ એડ્સ બનાવી, આટલી જ અલગ-અલગ ઈ-મેઇલ આઈ.ડી. પણ બનાવી હોવાની પણ કબુલાત પોપટ બનીને પોલીસ સમક્ષ આપી હતી.

આ શખ્સના કબજામાંથી પોલીસે કોમ્પ્યુટરનું મોનિટર, કી-બોર્ડ, સી.પી.યુ. રાઉટર, પેન ડ્રાઈવ, લેપટોપ, બે મોબાઈલ ઉપરાંત અલગ અલગ બેન્કના 14 ક્રેડિટ – ડેબિટ કાર્ડ પણ પોલીસે કબજે લીધા છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી કબજે કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક મુદ્દામાલની ફોરેન્સિક તપાસમાં આરોપી દ્વારા આશરે 300 જેટલી અલગ અલગ ઈ-મેઈલ આઈ.ડી. બનાવીને ખોટા નામે એકાઉન્ટ ખોલાવી ભારતના અલગ અલગ પર્યટક અને ધાર્મિક સ્થળો ખાતે આવેલી હોટલો અને રિસોર્ટની 100 વધુ બનાવટી હોટલ તેમજ રિસોર્ટને લગતી છેતરપિંડી કરવા માટેની ઓનલાઈન ફેક વેબસાઈટો બનાવી હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.

આ શખ્સને ઝડપી લઇ, તેની પૂછપરછમાં દ્વારકાના જુદા જુદા ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત તેના દ્વારા સોમનાથ અને આણંદને પણ ટાર્ગેટ કરાયેલ હોવાનું વધુમાં જાહેર થયું છે. ઝડપાયેલા આરોપી સાથે કેટલાક શખ્સો પણ સંડોવાયેલા હોવાથી સાયબર ક્રાઈમ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી લેવા તેમજ વધુ બાબતો પર પ્રકાશ પાડવા માટે આગામી તારીખ 17 નવેમ્બર સુધીના તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.

આ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવા માટે પી.આઈ. બ્લોચ સાથે સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.એસ.આઈ. એસ.વી. કાંબલીયા, ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેશરીયા, હેમંતભાઈ કરમુર, રાજુભાઈ ઢેબાણીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી તેમજ મુકેશભાઈ નંદાણીયા પણ સાથે રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular