જામજોધપુર ગામમાં આવેલી ડેરીના સંચાલક દ્વારા તેના રહેણાંક મકાને તથા ડેરીએ ભેળસેળયુકત ઘી નો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.35000 ની કિંમતનું 100 કિલો ભેળસેળયુકત ઘી નો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દિવાળીના સપરના તહેવાર દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા દુકાનદારો દ્વારા ભેળસેળયુકત ખોરાક તથા ચીજવસ્તુઓ ધાબડી દેવામાં આવે છે. તહેવાર દરમિયાન પોલીસ તંત્ર પણ એલર્ટ બની ભેળસેળયુકત ચીજવસ્તુઓ બનાવતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી રહ્યું છે ત્યારે હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસખુ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા, દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે બહુચરાજીના મંદિર પાસે આવેલી ઉમિયાજી ડેરીમાં તથા સંચાલક બિપીન ગોવિંદ ગોહેલના રહેણાંક મકાને રેઈડ દરમિયાન તલરાસી લેતા મકાનેથી રૂા.35,000 ની કિંમતનો 100 કિલો ભેળસેળયુકત ઘી નો જથ્થો મળી આવતા પોલીસે સંચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપાયેલો ઘી નો જથ્થો ફુડ સેફટી ઓફિસર એન.એન.પરમારને મોકલી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.