નવેમ્બર મહિનાનું એક સપ્તાહ પૂર્ણ થવા આવ્યુ હોવા છતાં હજુ શિયાળાનાં એંધાણ નથી ત્યારે ચાલુ મહિનો પણ એકંદરે ‘ગર્મ’જ રહેવાનો તથા તાપમાન પ્રમાણમાં ઉંચુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઓકટોબર મહિનો તાપમાનની દ્રષ્ટિએ 1901 પછી ત્રીજા નંબરનો સૌથી ગરમ રહ્યો હતો. આ મહિનામાં મહતમ તાપમાન સરેરાશ કરતાં 0.93 ટકા વધુ હતું. જયારે ન્યૂનતમ તાપમાન 0.73 ટકા વધુ હતું.
હવામાન વિભાગના ગુજરાતનાં વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ઓકટોબર મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન સરેરાશ કરતા ઉંચુ રહ્યું હતું. દેશના અન્ય ભાગોની સરખામણીએ તે ઘણુ વધુ હતું. ગુજરાતના અન્ય ભાગો કરતા પણ વતા ઓછા પ્રમાણમાં વધુ માલુમ પડયુ હતું.
ડો.મનોરમા મોહંતીએ કહ્યું કે, આવતા થોડા દિવસોમાં હજુ તાપમાનમાં કોઈ મોટો કે નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના નથી. સમગ્ર નવેમ્બર મહિનામાં ન્યુનતમ તાપમાન નોર્મલ કે તેથી વધુ રહેવાની સંભાવના છે. આ જ રીતે મહતમ તાપમાન પણ સરેરાશ છે તેથી ઉંચુ જ રહેવાની શકયતા છે.