ખંભાળિયા શહેર નજીક તાજેતરમાં સ્થાનિક પોલીસે કરેલી સધન કાર્યવાહીમાં કેટલાક શખ્સો દ્વારા આલ્કોહોલયુક્ત નશાકારક પીણાંને આયુર્વેદિક સીરપ ગણાવીને વેચાણ કરતું હોવાનું સિલસિલા બંધ રેકેટ ઝડપી પાડ્યું હતું. આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓની જામીન અરજી ખંભાળિયાની સેશન્સ અદાલતે ફગાવી દીધી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ આજથી આશરે ત્રણેક માસ પૂર્વે ખંભાળિયા શહેરમાં આઇસર વાહનમાંથી અહીંની પોલીસે 4,000 જેટલી બોટલ આયુર્વેદિક સીરપનો જથ્થો કબ્જે કર્યો હતો. આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસમાં અમદાવાદ સ્થિત આ પ્રકારની સીરપની આખી ફેક્ટરી મળી આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે 7,000 કરતાં વધુ આલ્કોહોલ યુક્ત સીરપની બોટલ મળી, કુલ રૂપિયા 21.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રકરણની તપાસ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા કરવામાં આવી હતી જેમાં આ સીરપ લોકોના સ્વાસ્થ્યને હાનિકર્તા એવા આલ્કોહોલથી બનેલું હોવાનું ખુલતા પોલીસે આ પ્રકરણમાં અમદાવાદ ખાતે રહેતા ભરત ચનાભાઈ નકુમ, જામનગરમાં રહેતા સિધ્ધરાજસિંહ વનરાજસિંહ ઝાલા તેમજ અહીંના વેપારી ચિરાગ લીલાધરભાઈ થોભાણી સામે ગુજરાત નસબંધી અધિનિયમ તેમજ આઈ.પી.સી. કલમ 120 (બી) સહિતની ગંભીર કલમ હેઠળ ગુનો દાખલ કરી, આ શખ્સો સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આરોપીઓ દ્વારા અહીંની સેશન્સ અદાલતમાં જામીન મુક્ત થવા માટેની અરજી કરવામાં આવતા આ પ્રકરણમાં અહીંના સરકારી વકીલ કમલેશભાઈ સી. દવેની ધારદાર દલીલો સાથે ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ.જોશી દ્વારા રજૂ કરવામાં આવેલા સાધનીક પુરાવાઓ સાથે વચ્ચે આ શખ્સો દ્વારા આયુર્વેદિક સીરપની આડમાં નશાકારક પીણું વેંચવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્યને ગંભીર હાની પહોંચી શકે છે તે અંગેની બાબતો રજૂ કરતા પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ શ્રી એસ.વી. વ્યાસ દ્વારા ઉપરોક્ત આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી.