જામનગરમાં ખાનગી કોલેજ દ્વારા હાલમાં જ લેવાયેલી પરીક્ષાના સીસી ટીવી ફુટેજની સીડી અમદાવાદ યુનિ.માં મોકલ્યાબાદ ચકાસણી દરમ્યાન 12 વિદ્યાર્થીઓ કોપી કરતાં નજરે પડતાં તમામ વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ કરી કોલેજ સંચાલકનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ જીટીયુ દ્વારા લેવામાં આવતી પરીક્ષાના તમામ સેન્ટરો પર સીસી ટીવી કેમેરા ફરજિયાત હોય છે અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસી ટીવી ફુટેજ જીટીયુને મોકલવામાં આવતા હોય છે. દરમ્યાન જામનગરમાં આવેલી અક્ષરપ્રિત ઇન્સ્ટીટયુટ ઓફ ફાર્મસી કોલેજ દ્વારા હાલમાં જ લેવાયેલી જીટીયુની પરીક્ષાના સીસીટીવી ફુટેજો અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. આ સીસીટીવી ફુટેજ જીટીયુના પરીક્ષા વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવતા જામનગરની કોલેજમાં લેવાયેલી જીટીયુની પરીક્ષામાં 12 વિદ્યાર્થીઓ સામુહિક ગેરરીતિ કરતાં ફુટેજો નજરે પડયા હતા તેમજ વિદ્યાર્થીઓ એકબીજાને પુરવણી આપી રહયા હોવાનું પણ સીસીટીવી ફુટેજમાં ખુલ્યું હતું. જેના આધારે જીટીયુ દ્વારા 12 વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અક્ષરપ્રિત કોલેજના પ્રશાસન પાસેથી પણ ખુલાસો માંગવામાં આવ્યો હતો. કેમ કે, એક સાથે એક ડઝન જેટલા વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા હોય તો કોલેજ સંચાલકોના નજરમાં કેમ ન આવ્યું ?