જામનગર જિલ્લાના ઝાખર ગામ પાસે આવેલી હોટલ પાછળ પાર્કિંગમાં ટેન્કરમાંથી પેટ્રોલ-ડિઝલ ગેરકાયદેસર કાઢી વેચાણ કરાતા સ્થળે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 30.47 લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ઝાખર ગામ નજીક આવેલી મોરીયા હોટલ પાછળના પાર્કિગમાં ટેન્કરોમાંથી પેટ્રોલ-ડિઝલ કાઢી લઇ અને વેચાણ કરાતું હોવાની મળેલી બાતમીને આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.બી. કોડિયાતર તથા સ્ટાફે વોચ ગોઠવી શુક્રવારે રાત્રિના સમયે રેઇડ દરમ્યાન ગેરકાયદેસર પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરતા સ્થળેથી પોલીસે 7680ની કિંમતના પેટ્રોલ ભરેલા 4 કેરબા તથા 1840ની કિંમતનું ડિઝલ ભરેલું એક કેન અને પેટ્રોલ-ડિઝલ ભરેલા રૂા. 30,23,375ની કિંમતનું ટેન્કર તથા 15000ની કિંમતના બે મોબાઇલ ફોન સહિતનો કુલ રૂા. 30,47,995ની કિમતના મુદામાલ સાથે સુનિલકુમાર સમરનાથ યાદવ (યુ.પી.) અને ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા (ઝાખર) નામના બે શખ્સોને ઝડપી લઇ બન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.