Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઢંગધડા વગરના સ્પિડબ્રેકરો મોતને આમંત્રણ આપી રહ્યા છે

જામનગરમાં ઢંગધડા વગરના સ્પિડબ્રેકરો મોતને આમંત્રણ આપી રહ્યા છે

મુખ્ય માર્ગો ઉપરાંત શેરી-ગલ્લીઓમાં બિલાડીના ટોપની જેમ ફુટી નિકળ્યા છે સ્પિડબ્રેકર : સ્પિડબ્રેકર અંગે જામ્યુકો પાસે કોઇ નીતિ-નિર્ધારણ નથી : જેને જ્યાં મરજી પડે ત્યાં અને તેવા સ્પિડબ્રેકરો ખડકી રહ્યા છે સ્પિડબ્રેકર બનાવવાના નીતિ-નિયમોની 1...2...ને 3... : કયારે જાગશે જામ્યુકોનું તંત્ર અને સત્તાધિશો ? : ઢંગધડા વગરના સ્પિડબે્રકરથી સર્જાતા અકસ્માતો માટે જવાબદાર કોણ ? : જામનગર સૌથી વધુ સ્પિડબ્રેકર ધરાવતું શહેર ?

- Advertisement -

જામનગર શહેરમાં મુખ્ય માર્ગો ઉપરાંત શેરી-ગલ્લીઓમાં બનાવવામાં આવેલા ઢંગધડા વગરના સ્પીડબે્રકર ગંભીર અકસ્માત નોતરવા સાથે મોતને આમંત્રણ આપી રહ્યા છે. શહેરમાં સ્પીડબ્રેકરનાં નિર્માણ બાબતે જામનગર મહાનગરપાલિકાની કોઇ ચોકકસ નીતિ-નિર્ધારણ ન હોય શહેરમાં જ્યાંને ત્યાં બીલાડીના ટોપની જેમ માર્ગો પર સ્પીડબ્રેકર ફુટી નિકળ્યા છે. વાસ્તવમાં સ્પીડ નિયંત્રણ અને અકસ્માતો નિવારવાના ઉદેશ્ય સાથે બનાવવામાં આવતા આ સ્પીડ બ્રેકર તેના ઢંગધડા વગરના આકારને કારણે ગંભીર અકસ્માતો નોતરી રહ્યા છે. આ બાબત અત્યંત ગંભીર હોવા છતાં જામ્યુકોના તંત્ર વાહકો દ્વારા આંખ આડા કાન કરી આવા મોતના સ્પીડબ્રેકરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

- Advertisement -

શહેરી વિસ્તારોમાં બેફામ વાહનો ચલાવીને અન્ય લોકોની જિંદગી જોખમાવતા વાહનચાલકોને નિયંત્રીત કરવા માટે માર્ગ પર ચોકકસ જગ્યાએ અથવા તો જંકશનો પર સ્પીડ નિયંત્રણ માટે માટે સ્પીડબ્રેકર મૂકવામાં આવે તે આવશ્યક છે. પરંતુ સ્પીડ બ્રેકરના નિર્માણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોકકસ નીતિ-નિયમો નિર્ધારીત કરવામાં આવ્યા છે. તેમજ સ્પીડબ્રેકરની ચોકકસ સાઈઝ પણ નિર્ધારીત કરવામાં આવી છે. જે મુજબ નિયત ઉચ્ચાઈ અને પહોળાઈના સ્પીડબ્રેકર બનાવવાના થાય છે. નિયમ મુજબના સ્પીડબ્રેકર બનાવવામાં આવે તે જોવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકાના તંત્ર વાહકોની છે. પરંતુ શહેરમાં સ્પીડબ્રેકર નિર્માણ તરફ મહાપાલિકાના તંત્ર દ્વારા જરા પણ પરવાહ કરવામાં આવતી નથી. જેને કારણે જેને જ્યાં મરજી પડે ત્યાં રાતો રાત સ્પીડબ્રેકર ઉભા કરી દેવામાં આવે છે. કોઇ જગ્યાએ સિમેન્ટના સ્પિડબ્રેકર તો કોઇ જગ્યાએ ડામરના તો કોઇ જગ્યાએ વળી માટી મોરમના સ્પિડબ્રેકર બનાવી નાખવામાં આવ્યા છે. જેનો કોઇપણ પ્રકારના સ્પેશિફિકેશનનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી. કેટલીક જગ્યાએ તો આ સ્પીડબ્રેકર અડધા તૂટેલા અને અડધા સાજા છે. તો કેટલીક જગ્યાએ ખાચા વાળા છે. તો કેટલીક જગ્યાએ ઉબડખાબડ છે. તો કેટલાંક સ્પીડબ્રેકર તો એવા છે જો જરા ગફલતમાં રહ્યા તો મર્યા સમજો. શહેરમાં કઇ જગ્યાએ સ્5ીડબ્રેકર હોવા જોઇએ અને કઇ જગ્યાએ નહીં તે મહાનગરપાલિકા અને પોલીસની ટ્રાફિક શાખાએ સાથે મળીને જે-તે વિસ્તારના ટ્રાફિકના જોખમને ધ્યાનમાં રાખીને નકકી કરવાનું હોય છે. પરંતુ જામનગરમાં તો શહેરીજનો પોતે જ નકકી કરી રહ્યા છે કે કયાં સ્પીડબ્રેકર મુકવું. જે કોઇ વ્યક્તિને પોતાના ઘર પાસે કોઇ વાહન નડે એટલે રાતોરાત સ્પિડબ્રેકર બનાવી નાખે છે. અને જામ્યુકોનું તંત્ર આ બધુ જોયા પણ રાખે છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ સમયાંતરે જુદી જુદી જગ્યાએ સ્પીડબ્રેકરો મૂકવાનો નિર્ણય કરે છે. આવા કેટલાંક નિર્ણયો સ્થાયી સમિતિની બેઠકમાં પણ કરવામાં આવ્યા છે. પરંતુ તેનો અમલ કેટલો થાય છે ? તે કોઇ જાણતું નથી. બેફામ રીતે બનાવવામાં આવતા સ્પીડબ્રેકરો રાત્રિના સમયે વાહનચાલકોને દેખાતા પણ નથી. જેને કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે તો કયારેક આ અકસ્માતની ઘટના વાહનચાલકના મૃત્યુ સુધી પહોંચી જાય છે. તાજેતરમાં જામનગરના વાલ્કેશ્ર્વરીનગરી વિસ્તારમાં રાત્રિના સમયે બાઈક પર પસાર થતા યુવાનની પાછળ ચાર થી પાંચ રખડતા કુતરાઓ પાછળ દોડતા યુવાને સ્વબચાવ માટે બાઈકની સ્પીડ વધારતા સ્પીડબ્રેકર આવતા અકસ્માતમાં નીચે પછડાતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

ઢંગધડા વગરના સ્પિડબ્રેકર કોઇ ગંભીર અકસ્માતો સર્જે અને જાનહાની થાય તે પહેલાં જામ્યુકોના તંત્રએ સ્પીડબ્રેકર અંગે ચોકકસ નીતિ તૈયાર કરીને તેનો અમલ કરવો જોઇએ. જ્યાં-જ્યાં ગેરકાયેદસર અને અનિયમિત સ્પીડબ્રેકર છે તે તમામને દૂર કરવા તેમજ જે જગ્યાએ સ્પીડબ્રેકરની ખરેખર આવશ્યકતા છે. તે જગ્યાએ યોગ્ય સ્પેશિફિકેશન મુજબના સ્પીડબ્રેકર બનાવવા જોઇએ. એક સર્વે પ્રમાણે શહેરી વિસ્તારોમાં સૌથી વધુ સ્પીડબ્રેકર જામનગર શહેરમાં હોવાનું માનવામાં આવે છે. માત્ર ફોટોસેશન કરીને પ્રસિધ્ધી મેળવતા સત્તાધિશોએ લોકોના હિતમાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવી જોઇએ તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular