જોડિયા તાલુકાના હડિયાણા ગામ નજીક આજે સવારે ટ્રકચાલકે બાઈકસવારને હડફેટે લેતા અકસ્માતમાં બાઈકસવારનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ નાશી જવાનો પ્રયત્ન કરનાર ટેન્કરચાલકને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના હડિયાણા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપમાંથી તરશીભાઈ હરીભાઈ નકુમ નામનો યુવાન તેના જીજે-10-એએસ-6843 નંબરના બાઈકમાં પેટ્રોલ ભરાવી રોડ પર જતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા જીજે-12-બીએકસ-3201 નંબરના ટેન્કર ચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત તરશીભાઇને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. દરમિયાન બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટેન્કરચાલક અકસ્માત બાદ નાશી જવાનો પ્રયાસ કરતો હતો ત્યારે જ પોલીસે ટેન્કરચાલકને નાકાબંધી કરી દબોચી લીધો હતો. આ બનાવમાં પોલીસે ટેન્કરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.