જામનગર શહેરમાં જુની નાગનાથ પોલીસ ચોકી પાસે ગઇકાલે સાંજના સમયે પાણીની પાઇપલાઇન લિકેજ થતાં માર્ગ પર પાણી ફરી વળ્યા હતાં. આ અંગે જામનગર મહાનગરપાલિકાને જાણ કરાતાં વોટર વર્કસ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતાં અને પાણી સપ્લાય બંધ કરી રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેરમાં હાલમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ગઇકાલે સાંજના સમયે હાલાર હાઉસ નજીક નર્મદાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થયું હતું. જેને પરિણામે માર્ગ પર પાણી ફરી વળ્યા હતાં. તેમજ વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. આ ઘટનાની સ્થાનિક લોકોને જાણ થતાં આ અંગે તાત્કાલિક ધોરણે જામનગર મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાને જાણ થતાં વોટર વર્કસ શાખાના ઇજનેર નરેશ પટેલ સહિતના અધિકારીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને પાણી સપ્લાય બંધ કરી લીકેજ લાઇન રિપેર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે મોડી રાત્રી સુધી ચાલી હતી.