જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીની મોબાઇલ આઈ કલીનિક એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા શખ્સ સહિતના બે શખ્સોએ ફયુલ કાર્ડનો ઉપયોગ કરી જનરેટરમાં પેટ્રોલ પૂરાવા માટે રૂા.9.78 લાખની કિંમતના ડીઝલ અને પેટ્રોલ જુદાં-જુદાં વાહનોમાં પૂરાવી કંપની સાથે છેતરપિંડી આચરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીની મોબાઇલ આઈ કલીનિક જીજે-10-ટીટી-7084 નંબરની એમ્બ્યુલન્સમાં કામ ચલાઉ ધોરણે નોકરી કરતા અભયકુમાર કિરીટ કેશુર નામના કર્મચારીએ વસઈ ગામના જુનુસ અલી સમા નામના શખ્સ સાથે મળીને ગત તા.15/09 થી તા.24/10 સુધીના સમય દરમિયાન એમ્બ્યુલન્સમાં રાખેલ ઈલેકટ્રીક જનરેટરમાં પેટ્રોલ પુરાવા માટે કંપની દ્વારા ઈસ્યૂ કરાયેાલ ફયુલ કાર્ડનો ઉપયોગ કરી રૂા.15,361 ની કિંમતનું 157 લીટર પેટ્રોલ તથા રૂા.9,63,054 ની કિંમતનું 10,455 લીટર ડીઝલ જુદા-જુદા વાહનોમાં ભરાવી કંપની સાથે કુલ રૂા.9,78,415 ની છેતરપિંડી આચરી હતી. આ છેતરપિંડી અંગેની જાણ થઈ જતાં પ્રતિકકુમાર દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવતાં પીએસઆઈ બી.ડી.કોડીયાતર તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી બંનેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.