ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ફૈઝલ મામદહનીફભાઈ સુંભણીયા તથા તેમના પત્ની આઈશાબેન ફૈઝલભાઈ સુંભણીયા ગઈકાલે શુક્રવારે સાંજે ભરાણા ગામ નજીક તેની તેઓની પરિણીત ભાણેજ ફિજાબેન મુસ્લિમભાઈ ભાયા (ઉ.વ. 19) સાથે ઉભા હતા. ત્યારે તેઓ પાસે એક બ્લુ કલરની મોટરકાર આવીને ઊભી રહી હતી.
આ કારમાંથી ત્રણ શખ્સો ઉતર્યા હતા. જે પૈકી એક શખ્સની ઓળખ ફૈઝલભાઈએ બિલાલ મારાજ તરીકે આપી હતી. બિલાલ મહારાજ તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ ફૈઝલને બિભત્સ ગાળો કાઢી, બેફામ મારવા લાગતા તેમના પત્ની આઈશાબેન તથા ભાણેજ ફિજાબેન ભાયાએ તેઓએ અટકાવ્યા હતા. પરંતુ અપહરણ કરવાના આશયથી આવેલા ત્રણેય શખ્સોએ ફૈઝલ તથા આઈશાબેનને મોટરકારની વચ્ચેની સીટ ઉપર બેસાડી અને ત્યાંથી લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું હતું.
આમ, બિલાલ મારાજ તથા અન્ય બે શખ્સોએ બ્લુ કલરની મોટરકારમાં આવી અને ફૈઝલને ગાળો કાઢી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને ફૈઝલ તથા આયશાબેનનું અપહરણ કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે વાડીનાર મરીન પોલીસે ફીજાબેન મુસ્લિમભાઈ ભાયાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 365, 323, 504, 506 (2) અને 34 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.