ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં તાજેતરની નવરાત્રી પર્વના દસ દિવસના સમયગાળામાં અવિરત રીતે જિલ્લાની જનતાની સુરક્ષા તથા સલામતી માટે ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ તથા સ્ટાફના પરિવાર માટે ગરબા કાર્યક્રમનું આયોજન દ્વારકા માર્ગ પર કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે નવરાત્રી પર્વ દરમિયાન સમગ્ર જિલ્લામાં કોઈપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને પોલીસ પરિવારમાં લાગણી તેમજ પરસ્પર હૂંફનો માહોલ જળવાઈ રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ખંભાળિયામાં બુધવારે રાત્રે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્ટાફ દ્વારા પોતાના પરિવારજનો સાથે પરંપરાગત માહોલમાં મુક્તમને ગરબા ખેલીને અનેરી મોજ માણી હતી.