જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના સાસુ, સસરા સહિતના ત્રણ સાસરિયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપી ધોકા વડે માર માર્યો હતો તેમજ સસરાએ અપશબ્દો બોલી બિભત્સ માંગણી કરી મહિલા તથા તેની પુત્રીઓને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ શેરી નં.1 માં રહેતી મહિલાને તેના લગ્નજીવન દરમિયાન તેના સાસુ ભાનુબેન દ્વારા મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપી ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ દિયર પ્રકાશ દેવજી જાદવએ અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો તથા સસરા દેવજીભાઈએ પુત્રવધુને અપશબ્દો બોલી છ માસ પહેલાં બિભત્સ માગણી કરી હતી અને પુત્રવધૂ તથા પૌત્રીઓને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાને સાસુ-સસરા અને દિયર દ્વારા માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી કંટાળી જઇને આખરે મહિલાએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ આર.એ. ચનિયારા તથા સ્ટાફે સાસુ-સસરા સહિત ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.