Thursday, December 26, 2024
Homeઆંતરરાષ્ટ્રીયગાઝામાં જમીન પર કાર્યવાહી માટે ઇઝરાયેલી સેના તૈયાર

ગાઝામાં જમીન પર કાર્યવાહી માટે ઇઝરાયેલી સેના તૈયાર

ગાઝા બોર્ડર પર ઇઝરાયેલી સેનાનો યુધ્ધાભ્યાસ : ગમે ત્યારે ગાઝા પટીમાં ઘૂસી શકે છે સેના : છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલી એરસ્ટ્રાઇકમાં 400થી વધુ લોકોના મોત : લેબનોન અને સીરિયાએ પણ ખોલ્યો મોરચો

- Advertisement -

છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં 400થી વધુ લોકોના મોત થયા છે. અલજઝીરા અનુસાર, ઇઝરાયલની સેનાએ રફાહ અને જબાલિયા કેમ્પ સહિત 25 સ્થળોએ ભારે બોમ્બમારો કર્યો છે. જબાલિયામાંથી અત્યાર સુધીમાં 30 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. બીજી તરફ ગાઝામાં જમીની કાર્યવાહી માટે ઇઝરાયેલી સેના સજજ બની છે. ગમે ત્યારે ઇઝરાયેલ સૈનિકો ગાઝા પટીમાં ઓપરેશન શરૂ કરી શકે છે. ગાઝામાં ઓપરેશન માટે અંતિમ આદેશની રાહ જોવાઇ રહી છે. ટૂંક સમયમાં જ ઇઝરાયેલી સૈન્ય દ્વારા હમાસના આતંકીઓને શોધવા અને તેનો સફાયો કરવા માટે જબ્બર કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઇઝરાયેલી સેનાએ આ માટે બોર્ડર પર અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર ઇઝરાયલનો બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 4,651 પેલેસ્ટાઈનનાં મોત થયા છે. જ્યારે 14 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઇઝરાયલ પણ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલે સોમવારે હિઝબુલ્લાહની બે જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયલની સેના અનુસાર, હિઝબુલ્લાહના આતંકવાદીઓ આ બેઝ પરથી ઇઝરાયલ પર એન્ટી ટેન્ક મિસાઈલ અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યા હતા. તે જ સમયે, 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 1400 લોકોનાં મોત થયા છે.

- Advertisement -

આ તરફ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે ઇઝરાયલી સૈનિકોને મળ્યા જેઓ લેબનોનથી સતત હુમલાનો જવાબ આપી રહ્યા હતા. તેણે સૈનિકોને કહ્યું કે યુદ્ધમાં જોડાવું એ હિઝબુલ્લાહની સૌથી મોટી ભૂલ હશે.તેણે હિઝબુલ્લાહને ચેતવણી પણ આપતાં કહ્યું કે, હુમલા ચાલુ રાખવાથી અથવા યુદ્ધ શરૂ કરવાથી, ઇઝરાયલ એવી પ્રતિક્રિયાત્મક કાર્યવાહી કરશે જે લેબનોનમાં વિનાશ લાવી શકે છે. હમાસ સાથે યુદ્ધમાં જોડાવું એ હિઝબુલ્લાહની સૌથી મોટી ભૂલ હશે.આ દરમિયાન, ઇઝરાયલની સેનાએ કહ્યું- ઇઝરાયલ પર અત્યાર સુધીમાં 7400 રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. જો કે, 7 ઓક્ટોબરે હમાસે દાવો કર્યો હતો કે તેણે એક જ દિવસમાં ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડ્યા હતા. યુદ્ધમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકો માર્યા ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular